Archive for December, 2007

માન્યતાના વાંકે

માન્યતાના વાંકે

પ્રભુથી પ્રેમ છે તારો, ખુદાથી ઈશ્ક છે મારો
તું મારો દોસ્ત છે પ્યારો, ભલે જે ધર્મ છે તારો

ઘણાછે બહુજ પ્યારા દોસ્ત મારા આજ દુનિયામાં
નથી પુછ્યું મેં કોઈ દોસ્તને શું ધર્મ છે તારો

અમે ચર્ચા કરી આધ્યાત્મની ને દુનિયાદારીની
પરંતુ ધર્મની વાતોનો ન આવ્યો કદી વારો

કર્યું કલ્યાણ ધર્મોએ પ્રભુના પંથ બતાવીને
હવે કઈ શિક્ષા માનવને બનાવીદે છે હત્યારો?

ઘણી પાયા વગરની માન્યતાના રોગ છે જગમાં
આ પોકળ માન્યતાઓથી પ્રભુ આપોને છુટકારો

ભયંકર મોડ પર આવી ઉભું છે આ જગત આજે
નવો રંગ ધર્મનો કંઇ ના બને જગ નષ્ટ કરનારો

મને દેખાયછે ઇનસાન ના કે હિંદુ શીખ મુસ્લિમ
હૃદયની આંખથી દેખાય છે બસ પેદા કરનારો

‘સૂફી’નું મન કરો વિશુદ્ધ ઓ ઈશ્વર, પ્રભુ પ્યારા
રહું ના અંધ શ્રદ્ધામાં, જીવનભર હું ભટકનારો

‘સૂફી’ પરમાર

1 Comment »

રંગબેરંગી જગત

રંગબેરંગી જગત

જગત સુંદર છે રંગોથી, પ્રભુને રંગો પ્યારા છે
અને રંગોભરી દુનિયામાં, કુદરતના ઈશારા છે

ઘણી વાતો કથાઓ અર્થપૂર્ણ રંગો કહે છે પણ
જે ન સમજી શકે, ભૂલો પ્રભુમાં કાઢનારા છે

કરો જો કલ્પના રંગો વિનાની દુનિયાની ક્ષણભર
થશે અદ્રશ્ય જગભરના વિવિધ જે દ્રશ્યો ન્યારાં છે

કલાવિધાનની ક્યાં છે કમી કુદરતના ખેલોમાં
છે અદભૂત દ્રશ્યો, દિલમાં ચિરસ્થાયી જે થનારાં છે

નિરસ હોતી આ દુનિયા જો ન હોતી રંગબેરંગી
આ અદભૂત રંગોની મહેફીલ છે જ્યાં રંગ બોલનારા છે

વિવિધ રંગો છે માનવ જાતીમાં ને નાતજાતોમાં
પરંતુ ધર્મોના ગ્રંથોમાં એકજ પ્રેમધારા છે

શું બોલી રંગો બોલે છે પૂછો સૂફી ને સંતોને
જે સમજે રંગોની ભાષા, નિકટ રબથી થનારા છે

સૂફી’ પરમાર

1 Comment »

અર્થહીન તકરાર

અર્થહીન તકરાર

જે માન્યતામાં જન્મ્યો છું, મને તે લાગે છે સારી
અને સત્ય સુધી તેથી પહોંચ ન થઈ શકી મારી

ખરું ખોટું પરખવા વાપરું છું માન્યતાઓ ને
પરંતુ માન્યતા પર શંકાની આવી નથી વારી

મળી છે વારસામાં માન્યતા જે આજ માનું છું
સગીર વયમાં હૃદય ખાલી હતું ત્યારે બની મારી

સખત પથ્થર સમી છે માન્યતા ને શ્રધ્ધાઓ મારી
મને લાગે છે તેથી બાકીની વસ્તી ભટકનારી

જગતને ક્ષય લાગ્યો અંધ શ્રદ્ધાનો ભયંકર પણ
નથી સુઝી રહી કોઈ દવા ક્ષય દૂર કરનારી

થઈ છે ઉન્નતિ ભૌતિક છતાં કમભાગ્ય જગ તારું
આ ઉન્નતિ માં શક્તિ છે જગતને નષ્ટ કરનારી

ચીરીને પડદો અંધશ્રદ્ધાનો જોશે જો જમાનો તો
નવી વાતો ત્વરિત સુઝશે આ દુનિયાને બદલનારી

નવી વાતો તું કહેતોજા ‘સૂફી’, ચાલુ જમાનાને
તું કરજે વાત, સત્યની ઝલક દુનિયાને દેનારી

‘સૂફી’ પરમાર

1 Comment »

દેવોની વેદના

દેવોની વેદના

ભરે છે આહ હવે તો દેવતાઓ ખેદના સાથે
અને ધર્માત્માઓ પણ રડે છે વેદના સાથે

જો આવે ધર્મ સ્થાપકો આ દુનિયામાં ફરી આજે
પિછો કરનાર નિકળી પડશે ઝટ નીજ ટેકના સાથે

બહુ મોડુ થયું પણ જ્યારથી હું હોશમાં આવ્યો
નથી પરવા રહી ધર્મના કટર મતભેદના સાથે

કરું સતસંગ શી રીતે અને કોનાથી હું જગમાં
મળે કોઈ જો પૂર્વગ્રહના દિલમાં દ્વેષના સાથે

અચાનક ભડકે છે ચિનગારી એવીકે ધ્રુજે ધરતી
શું પાપી નષ્ટ કરશે જગને વિધુત વેગના સાથે?

ઝલક દિવ્ય મેં જોઈ તો થયું પાવન જીવન મારું
જીવું છું હું હવે આધ્યાત્મના આદેશના સાથે

‘સૂફી’ તારી પૂજા તારી ઈબાદત જગથી ન્યારી છે
અલૌકિક્ ગીત્ લખ્યાં તેં પ્રેમના સંદેશના સાથે

‘સૂફી’ પરમાર

No Comments »

ભોગી જોગી

ભોગી જોગી

કદીક હું હોઉં છું યોગી, કદીક હું હોઉં છું ભોગી
વિરોધાભાસી વ્રત્તિથી બનીને રહ્યો છું હું રોગી

કદી સત્ય કદી અસત્ય બોલી ચાલું છું જગમાં
પરંતુ દિલમાંને દિલમાં તમન્નાં છે બનું જોગી

હું તૃપ્તિ કરવા તૃષ્ણાની નથી જોતો ખરું ખોટું
હું જોગી બનતાં બનતાં જાણી જોઈ થાઉ છું ભોગી

ભર્યું છે દિલ વિકારો, વાસના, વિલાસને દંભથી
આ રોગે દિલને પકડ્યું છે, બનું શી રીતે હું જોગી

કરેલાં પાપોના પસ્તાવાની છે ગ્લાનિ એવી કે
થયું છે મૃત્યું જાણે દોસ્તનું ને રહું છું હું સોગી

પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે પણ કરું હું શું હવે તેને
હવે તો વૃદ્ધાવસ્થામાં પડ્યો છું થઈને હું રોગી

‘સૂફી’ તું છોડજેના માર્ગ જે પરમાર્થનો લીધો
ભલે તું ના કહે જગને કે અંદરથી છે તું જોગી

‘સૂફી’ પરમાર

No Comments »

સત્ય અસત્યનો જંગ

સત્ય અસત્યનો જંગ

બચે દુનિયા તબાહીથી, દુઆ એવી મેં માગી છે
કરી લઉં કઈંક હું સારું, અભિલાષા એ જાગી છે

મને આકાશથી જોઈ રહ્યું છે કોઈ તે જાણી
હતી આદત દગાની તે બધી આદત મેં ત્યાગી છે

ઘણી યુક્તિને ચાલાકી કરીને જોઈ લીધું મેં
મને મારીજ યુક્તિઓ બધી માથામાં વાગી છે

મને પરલોકમાં કર્મો પકડશે તે તો નિશ્ચિત છે
તે જાણી લાલસા દુનિયાની મારી દૂર ભાગી છે

મને શેતાન આશીર્વાદ દેતો પાપૉને જોઈ
હવે કરવાને પ્રાયશ્ચિત્ત તમન્ના દિલમાં જાગી છે

ખરી ખોટી બધી વાતોના મિશ્રણથી બચીને મેં
કરીછે વાત દુનિયામાં મને જે સત્ય લાગી છે

અનાદિ કાળથી સત્ય અસત્ય છે ભીષણ જંગમાં
દુઆઓ કામ ન આવી જે યુગ યુગ જગએ માગી છે

નવું મંત્ર કે સૂત્ર તો સુઝાડો ઓ પ્રભુ પ્યારા
લગન દુઃખમૂક્ત જગ જોવા ‘સૂફી’ના દિલમાં લાગી છે

‘સૂફી’ પરમાર

No Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.