જખમી જગત

જખમી જગત

જે લડવા માટે તત્પર છે, હવે તે વીર લાગે છે
ભરી દે જગ તિરસ્કારોથી જે તે પીર લાગે છે

દયા ને પ્રેમની વાતો ઘણા છે જગમાં કરનારા
ધરમ ભયમાં છે કહીદો તો પસંદ રુધિર લાગે છે

પડેછે ચેન ક્યાં જો હોય છે હથિયાર હાથોમાં
નથી હથિયાર જેના હાથોમાં દિલગીર લાગે છે

જમાનો આ છે આતંકવાદનો, માનવતા વિસરેલો
હરેક મતભેદનો ઉપચાર હવે શમશીર લાગે છે

બુઝાવે આગ નફરતની હવે તે જ્ઞાન ક્યાં શોધું !
જગત નષ્ટ થાય તે આદેશો જ્યાં અકસીર લાગે છે

ખબર નિત એટલી છે ઘાટકીને ક્રૂર હત્યાની
વરસતાં આંસુ આંખોથી હવે તો નીર લાગે છે

સદાચારીને શોધું ક્યાં, જ્યાં અત્યાચારી દુનિયામાં
લગાવે લાશોના અંબાર, તે શૂરવીર લાગે છે

‘સૂફી’ લંગડાઈને ચાલી રહ્યું જખમી જગત આજે
પડેલી પગમાં પણ તારા મને જંજીર લાગે છે

‘સૂફી’ પરમાર

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Powered By Indic IME