Archive for October, 2007

જામ ની અસર

જામ ની અસર

દિલમાં મીઠી ગુંજ ઉઠી છે, તે છે તારા નામની
હલકી હલકી છે અસર, દિલ પર એ તારા જામની

પ્રાર્થના માં છે નશો, ઝુમું છું તારી યાદમાં
તે વખત હોતી નથી પરવા મને આરામની

કુદરતે જે જે લખ્યું છે, વાંચું છું ચારે તરફ
તે ન વાંચું તો પછી છે પ્રાર્થના શું કામની

ગ્રંથોમાં ગુંગળાય છે આધ્યાત્મ નાં ડહાપણ બધાં
ક્યાં છે પરવા કોઈ ને ચિંતા કરે અંજામની

મા, કે માદર, કે મધર થી મા તો બદલાતી નથી
અલ્લાહ ને ઈશ્વર કહું, શું વાત છે બદનામની

કર ભલાઈ એક આજે, શું ખબર છે કાલની
યાદ છોડી ને જશે, જગમાં તું સારા નામની

એ ‘સૂફી’ રહેજે મગન તું યાદ અલ્લાહ ને કરી
તું થવા દેજે અસર દિલ પર પ્રભુના જામની

‘સૂફી’ પરમાર

No Comments »

વિના સીમાડા નું વિશ્વ

વિના સીમાડા નું વિશ્વ

નઝારા તો ઘણા છે પણ્ ઘણા બીજા છુપેલા છે
જે સર્જન છે તે સામે છે, જગતદાતા છુપેલા છે

વિચારું છું, જગત શું છે અને હું કોણ અને શું છું
આ પ્રશ્નો ના જવાબો, કોઈને પણ ક્યાં મળેલા છે!

અમારી પૃથ્વિ ભવ્ય છે પરંતુ છે તે એક રજકણ
છતાં લાગેછે પાયા પૃથ્વિના સજ્જડ જમેલા છે

તે કઈ શક્તિ છે, પૃથ્વિને ધરી ફરતી ફરાવે છે
જે ફેરાથી દિવસને રાતના હિસ્સા થએલા છે

થયો પૃથ્વિનો જન્મ શી રીતે, ક્યાંથી અને ક્યારે
અનુમાનો કર્યાં પણ, શંકાશીલ પ્રશ્નો ઉભેલા છે

જે માના પેટમાં બાળક છે, તે દુનિયાને શું જાણે
જગત ની બહારના અમને ઈશારા ક્યાં મળેલા છે

આ સૃષ્ટિ ની ઉપર સૃષ્ટિઓ ની જે હારમાળા છે
નથી કલ્પના થઈ શકતી, સીમાડા ક્યાં છુપેલા છે

કોઈ કાનુંન દિવ્ય છે, આ વિશ્વ જે ચલાવે છે
નથી જે માનતા તેઓ પ્રભુનો પંથ ભુલેલા છે

કલમ પકડું છું ત્યારે પ્રેરણા માગું છું ઈશ્વર થી
સૂફી સંતો ક્યાં દુનિયાની નિશાળોમાં ભણેલા છે

‘સુફી’ પરમાર

3 Comments »

જાગી ઉઠ્યો આત્મા

જાગી ઉઠ્યો આત્મા

પૂજારી હું નથી પણ થઈ પ્રભુથી દિલ્લગી મારી
ભલે કહેતી ફરે દુનિયા, છે આ દિવાનગી મારી

પ્રભુ તારો ને મારો ખેલ છે તે દુનિયા શું જાણે!
હું છું નાદાન પણ વ્હાલી તને છે સાદગી મારી

કહાની આ જીવનની કે પુનર્જન્મ જે સર્જાશે
આ ચક્કર કર્મોના સમજી, જીવું છું જિંદગી મારી

મેં તોડી જાળ માયાની અને આકર્ષણોની તો
કરી કૃપા દયા તેં છે સ્વીકારી બંદગી મારી

કરીને આત્મ-મંથન મેં કર્યું વિશુદ્ધ મન મારું
તિરસ્કારોની દિલમાં થી મટાડી માંદગી મારી

કરી પસ્તાવો પાપોનો મેં માગી જો ક્ષમા તારી
ભયંકર એબોની વાતો તેં રાખી ખાનગી મારી

હું ભટકી ભટકી ને આવી ઉભો છું દ્વાર પર તારા
‘સૂફી’ છું ભક્ત હું તારો, છે ભક્તિ જિંદગી મારી

‘સૂફી’ પરમાર

1 Comment »

રંગમાં ભંગ

રંગમાં ભંગ

જીવન રંગીન હતું પણ રંગમાં છે ભંગ થવા લાગ્યો
સમય સુખ શાંતિનો દુનિયા તજીને છે જવા લાગ્યો

હતી ન્હોતી થવા બેઠી છે દુનિયા ની હવે હસ્તી
જમાનો નિત નવાં વિનાશ યંત્રો શોધવા લાગ્યો

આ ધરતી સ્વર્ગ છે જન્નત છે જે ગ્રન્થો કહે છે તે
પરંતુ મન અને ચિતમાં પવન ઝેરી જવા લાગ્યો

પ્રભાવિત બહુ હતો ધર્મોની વાતોથી હું બચપણમાં
હવે ભયથી ભરેલી ધર્મ બોલી બોલવા લાગ્યો

બહુ હેરત પમાડે ખેલ એવા જોયા દુનિયામાં
જગત નષ્ટ થાય ખેલ એવો જમાનો ખેલવા લાગ્યો

અધર્મ, ધર્મ વચ્ચેની વિલીન રેખા થવા લાગી
હવે જગ થરથરે એ રીતથી ધર્મ ગર્જવા લાગ્યો

જગત કલ્યાંણ માટે ધર્મો છે તે મેં શિખેલું છે
જીવનના અંત કાળે આ ‘સૂફી’ને ભય થવા લાગ્યો

‘સુફી’ પરમાર

No Comments »

સંકટ નિવારણ

સંકટ નિવારણ

પ્રભુની સામે બેઠો છે, એ સમજી ને દુઆ કરજે
તને જોયા કરેછે એમ સમજી ને પૂજા કરજે

નથી આવડતા કોઈ બોલ જો પૂજા કે ભક્તિના
તું વહેતાં આંસુઓની આરતી લઈ ને ઝુક્યા કરજે

જીવનમાં દુઃખ અને આપત્તિ આવે છે કુકર્મોથી
ટળે છે દુઃખ સુકર્મોથી, તું સુકર્મો કર્યા કરજે

ગયું છે જ્ઞાન પડદામાં, ચઢ્યું અજ્ઞાન ચૌટામાં
અહીં મતભેદ છે લાખો, તુ ગૂંચવણ થી બચ્યા કરજે

છે કર્મકાંડની ઝગમગ, તને ઈશ્વર ત્યાં ક્યાં મળશે
છુપી બેઠા છે ઈશ્વર દિલમાં, દિલમાં જઈ મળ્યા કરજે

જીવનમાં દુઃખ જે આવે છે, ડહાપણ લઈને આવે છે
વિના કારણ નથી ઘટના કોઈ, ચિંતન કર્યા કરજે

‘સૂફી’ને સુખ અને દુઃખમાં ભણક ભગવાનની થઈ છે
કહેછે તું પ્રભુતાના નશામાં નિત રહ્યા કરજે

‘સૂફી’ પરમાર

No Comments »

પ્રભુ નાં ઘર

પ્રભુ નાં ઘર

પ્રભુજી ઈંટ અને પથ્થરનાં ઘર આપ્યાં અમે તમને
નથી દિલ માં જગ્યા, રાખે કોઈ દિલમાં હવે તમને

અમારું ઘર અમારું છે, તમારું ઘર તમારું છે
તમે રહેજો તમારે ત્યાં, મળી શું ત્યાં અમે તમને

પરિસ્થિતિ તમારી લાગેછે કેદી સમી અમને
તમારું ધૈર્ય જોઈ ને હું લાગું છું પગે તમને

તમે વિશ્વ બનાવ્યું પણ તમોને ઘર અમે આપ્યાં
કહો તો ઘર ઘણા બીજાં બનવી આપીએ તમને

થશે ઉદ્ધાર્ માનવ જાતનો શી રીત થી જગમાં
રમીને ખૂનની હોળી અમે જો ઝુકીએ તમને

દયા સાગર ખરાબે જઈ ચઢી છે આજની દુનિયા
બતાવો શું કરી ને પાછા જગમાં લાવીએ તમને

પરિવર્તન પ્રભુ લાવોને માનવજાતની અંદર
તજીને ધર્મોનાં ઘર્ષણ અમે સૌ પૂજીએ તમને

‘સૂફી’ પરમાર

1 Comment »

પ્રભુ ની યાદ આવે છે

પ્રભુ ની યાદ આવે છે

મને હર વાતમાં જાણે પ્રભુની યાદ આવે છે
ગણાવું શું શું કે જેમાં પ્રભુની યાદ આવે છે

મને આકાશ જોઈને, જોઈને તારલાનું ઝુંડ
સમજ પડતી નથી તો પણ્ પ્રભુની યાદ આવે છે

ફૂલોમાં રંગ અને ખુશ્બુ ભરેછે કોણ શી રીતે
નજર પડતાં ફૂલો ઉપર પ્રભુની યાદ આવે છે

મધુરાં સ્મિત બાળકનાં અને જીજ્ઞાશા ચંચળતા
બધી નિર્દોષ હરકતમાં પ્રભુની યાદ આવે છે

આ પ્રુથ્વિને વધુ સુંદર આ ચંદરમા બનાવે છે
મને આ ચાંદની જોઈ પ્રભુની યાદ આવે છે

વગાડે વાંસળી કોઈ તો મન ડોલી ઉઠે મારું
સુરોંની મિઠી લહેરોમાં પ્રભુની યાદ આવે છે

અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે ધરતીકંપ કે દાવાનળ
બધી બરબાદી જોઈ ને પ્રભુની યાદ આવે છે

‘સૂફી’ને રંજ છે પાપો કર્યાં તેનો ઘણો દિલમાં
કરી લેવા હવે તોબા પ્રભુની યાદ આવે છે

‘સુફી’ પરમાર

2 Comments »

પ્રેમ પેદા કર

પ્રેમ પેદા કર

જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી
કદી ઈશ્વર, કદી અલ્લાહ કહી માળા જપી તારી

વસે છે દિલમાં તું મારા અને દુનિયા ની રજ રજ માં
નજર જ્યાં જ્યાં પડી ત્યાં ત્યાં મેં જોઈ છે છબી તારી

આ દોરી શ્વાસની મારી અને આ દિલના ધબકારા
મેં આ ઘટમાળમાં જોયું, કરામત છે ભરી તારી

ગયો મંદિરોમાં ને હું ગયો મસ્જિદોમાં ભગવંત
ગયો ગુરુદ્વારા, ગિરજામાં, કરી ત્યાં બંદગી તારી

પહાડો જંગલો દરિયા, સરોવર વાદળો રણમાં
નઝારા જ્યાં મેં જોયા ત્યાં, કરી છે આરતી તારી

મળી છે પ્રેમમાં તારા નવી દ્રષ્ટિ પ્રભુ પ્યારા
હરેક સતસંગમાં તેથી મળી મોજુદગી તારી

પુજારી કે નમાજી ના દિલોમાં પ્રેમ પેદા કર
કે ધર્મોમાં પૂરી થઈ જાય, જ્યાં જ્યાં છે કમી તારી

પ્રભુ તરબોળ તારા ઈશ્કમાં છે આતમા મારો
હવે હરપળ ‘સૂફી’ કરતો રહે છે બંદગી તારી

‘સૂફી’ પરમાર

No Comments »

હૃદય નો સાથ રાખું છું

હૃદય નો સાથ રાખું છું

હું માટી નો બનેલો છું, હમેશાં યાદ રાખું છું
અને આ પ્રાણ દિવ્ય છે, એવા સંસ્કાર રાખું છું

બહુ અલ્પ સમય માટે છે મારી યાત્રા જગની
ફરી માટી બનીશ જલ્દી તે હૈયે વાત રાખું છું

હૃદય ની મારી ધડકન માં જે વાતો છે નિરાલી છે
હૃદય ની વાત સાંભળવા, હૃદય નો સાથ રાખું છું

નથી જગમાં કોઈ પણ સર્વજ્ઞાનિ, સર્વગુંણસંપન્ન
દુઃખે ના દિલ કોઈ નું, હું હરેકની વાત રાખું છું

સભર છે દિલ દયા થી પ્રેમ થી એવો અગર છું ભક્ત
પ્રભુ ચાહશે મને, એ વાત પર વિશ્વાસ રાખું છું

પ્રભુના પ્રેમ માં ભીનો થયો છે આતમા મારો
કરું છું વાત જ્યારે હું હૃદય પર હાથ રાખુંછું

કોઈ અલ્લાહ કહે, ઈશ્વર કહે કોઈ, ખુદા ભગવાન
હું મલિકના બઘાં નામો ના પ્રત્યે પ્યાર રાખું છું

‘સૂફી’ ને લઈ જવો છે આતમા નિર્મળ પ્રભુ પાસે
કહે છે, આતમા ને માંજી માંજી સાફ રાખું છું

‘સૂફી’ પરમાર

No Comments »

સુકર્મો કરી ને જો

સુકર્મો કરી ને જો

અનુભવ કરવા દિવ્યતા નો સુકર્મો કરી ને જો
પ્રભુ પ્રત્યે નિખાલસ પ્રેમ દિલ માં તું ભરી ને જો

પૂજા ને પ્રાર્થના કરનાર લાખો લોક છે જગમાં
બહુ થોડાજ સાચા ભક્તો છે તું જગ ફરી ને જો

વિનાં સુકર્મો લુખી ને સુકી છે પ્રાર્થના તારી
તું તારા કર્મો માં સુકર્મોના રત્નો જડી ને જો

બહુ સહેલું છે રટવું નામ ઈશ્વર નું ને અલ્લાહ નું
પ્રભુ દિલ માં વસે તું ધ્યાન જરા એવું ધરી ને જો

હજારો દાસ્તાંનો, પ્રવચન તેં સાંભળાં જગમાં
તું તારા અંત્ઃકરણના નાદને પણ સાંભળીને જો

ઘણું માગે છે ઈશ્વર થી કરી ને હાથ તું ઊંચા
અનાથો નું પ્રથમ થોડું ભલું તું પણ કરી ને જો

ભલે યોગી ના બનજે તું વિહરવા ને પ્રભુ પંથે
પ્રભુ ના પ્રેમ માં સંસારી રહી ને પણ પડીને જો

દવા કરીયે છીયે જો રોગ લાગે છે આ કાયા ને
ઘણા રોગો જે દિલ માં છે તે રોગોથી લડી ને જો

હજારો રીત છે ‘સૂફી’ ઈબાદતની ને ભક્તિની
સ્ફુરે જે આત્મ ચિંતન થી તે ભક્તિ તું કરી ને જો

‘સૂફી’ પરમાર

No Comments »

Next »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help