Archive for the 'Uncategorized' Category

જખમી જગત

જખમી જગત

જે લડવા માટે તત્પર છે, હવે તે વીર લાગે છે
ભરી દે જગ તિરસ્કારોથી જે તે પીર લાગે છે

દયા ને પ્રેમની વાતો ઘણા છે જગમાં કરનારા
ધરમ ભયમાં છે કહીદો તો પસંદ રુધિર લાગે છે

પડેછે ચેન ક્યાં જો હોય છે હથિયાર હાથોમાં
નથી હથિયાર જેના હાથોમાં દિલગીર લાગે છે

જમાનો આ છે આતંકવાદનો, માનવતા વિસરેલો
હરેક મતભેદનો ઉપચાર હવે શમશીર લાગે છે

બુઝાવે આગ નફરતની હવે તે જ્ઞાન ક્યાં શોધું !
જગત નષ્ટ થાય તે આદેશો જ્યાં અકસીર લાગે છે

ખબર નિત એટલી છે ઘાટકીને ક્રૂર હત્યાની
વરસતાં આંસુ આંખોથી હવે તો નીર લાગે છે

સદાચારીને શોધું ક્યાં, જ્યાં અત્યાચારી દુનિયામાં
લગાવે લાશોના અંબાર, તે શૂરવીર લાગે છે

‘સૂફી’ લંગડાઈને ચાલી રહ્યું જખમી જગત આજે
પડેલી પગમાં પણ તારા મને જંજીર લાગે છે

‘સૂફી’ પરમાર

No Comments »

ધોરી રસ્તો

ધોરી રસ્તો

પૂજાને બંદગીની ભીડમાં ભય કેમ છે જગમાં!
જ્વલિત તણખા ઉડે છે કેમ ધર્મસ્થાનોની ઝગમગમાં!

મેં જોએલી અમીવર્ષા, મુલાયમતાને કોમળતા
તે દોલતને ગુમાવી ધર્મ ફસ્યા છે કેમ ડગમગમાં!

પ્રભુ, ધર્મોની ખેંચાખેંચથી તમને બચાવું પણ
ઉતારું શી રીતે સાંકળ પડી છે મારા બે પગમાં

ગ્રહણ લાગ્યું છે મારી પ્રાર્થનાને વ્યક્તિ ભક્તિથી
કે જ્યારે અલ્લાહ, ઇશ્વરનું સ્મરણ દોડેછે રગરગમા

જીવન પર્યંતનું બંધન મળે જો જન્મના સાથે
તો ભય કોટવાલનો કંપાવે છે મુક્તિના મારગમાં

કવિ કે ત-ત્વજ્ઞાની વાત દિલની શી રીતે કરશે!
જ્યાં સરઘસ સંસ્કૃતિનાં આવીને અથડાયાં છે જગમાં

બને હત્યાનું કારણ ધર્મ તો કમભગ્ય જગ તારું
બને છે ધોરી રસ્તો તે જવા માટે હવે સ્વર્ગમા

અક્કલ ગીરવિ પડેલી હોય તેને તું ના કંઈ કહેજે
પિપાસુ સત્યના છે પણ ‘સૂફી’, થોડા હવે જગમાં

‘સૂફી’ પરમાર

No Comments »

દિવ્યભાસ્કરે લીધેલી નોધ

mahmad ali Parmar

No Comments »

આકાશગંગા

આકાશગંગા

મને આકાશની વસ્તી, વિચારોમાં ફસાવે છે
શું મારો રિશ્તો છે આકાશથી, પ્રશ્ન સતાવે છે

સનાતન આવજા છે રાત અને દિવસ ને મોસમની
છુપીને કોણ આ ઘટમાળને શાશ્વત ચલાવે છે !

શું છે સૃષ્ટિ, છે ક્યાં સૃષ્ટિ, છે પાયા ક્યાંને ક્યાં છે છત?
અને અસ્તિત્વમાં લાવીને કોણ એને નભાવે છે !

સૂરજ અગ્નિનો ગોળો ધગધગે છે કરવા જગ રોશન
નિખર્વ વર્ષથી ઈંધણ તે બળવા ક્યાંથી લાવે છે!

બીજા લાખો કરોડો સૂર્ય છે બ્રહ્માંડની અંદર
ન જાણે કેટલી આકાશગંગાઓ રચાવે છે

જરુરત શું અને કોને હતી સૃષ્ટિના સર્જનની!
ગહન કેવા આ પ્રશ્નો છે કે ચૂપ અમને કરાવે છે!

હતું નહીં સૃષ્ટિનું અસ્તિત્વ જ્યારે, શું હતું ત્યારે?
ઉપસ્થિત સૂન્યમાંથી થઈ, તે ક્યાં અક્કલમાં આવે છે

જે કંઈ ભાખ્યું છે વિજ્ઞાને, તે છે એક બિન્દુ સાગરનું
નવી હર ખોળ, થોડું જઈને, છે ત્યાં, પાછી આવેછે

મહાસાગર શું છે, કીડી, મંકોડો શી રીતે જાણે!
અમારી સુક્ષ્મતાનું ભાન, ભવ્ય જગ કરાવે છે

છતાં માનવ છે સૃષ્ટિનું અનન્ય દૈવી એક સર્જન
જે સરજનહારની આછી પ્રતિછાયા બતાવે છે

મહાશક્તિ, પરમશક્તિ, અગમ્ય છે ‘સૂફી’ તો પણ
અલૌકિક રીતથી ઓળખ તે ભક્તોને કરાવે છે

‘સૂફી’ પરમાર

No Comments »

કૂજાઓનાં પાણી

કૂજાઓનાં પાણી

કૂજાઓનાં પુરાણાં પાણીમાં જંતુ પડેલાં છે
કહ્યુ છે ભક્તોએ પીધાં તે પાણી તે નડેલાં છે

અગર લઈ કાચના વાસણમાં તે પાણી તમે જોશો
કરોડો જંતુ પાણીમાં, જીવિત તેમજ મરેલાં છે

હિમાલયથી નિકળતાં જળ અતિ નિર્મળ પવિત્ર છે
પરંતુ મેલ અને જંતુ પછી તેમાં ભળેલાં છે

અશુદ્ધ જળના જેવી થઈ છે હાલત ધર્મોની આજે
દગો દઈને પવિત્રતામાં ભ્રષ્ટ ત-ત્વો ભળેલાં છે

ઘણા અજ્ઞાનિ લોકોને અમે જ્ઞાનિ ગણી બેઠા
પરિણામે આ દુનિયામાં ભયંકર દુઃખ પડેલા છે

નહીં પહોંચાડે તમને સ્વર્ગ સુધી માનવ કોઈ જગથી
પહોંચવા ત્યાં, પ્રભુપંથનાં પગથિયાંઓ બનેલાં છે

છુપું માનવ અને દાનવનું અંતરયુદ્ધ છે જગમાં
મલિન તરકટ જ્યાં ધર્મભ્રષ્ટ માનવે છુપાં રચેલાં છે

ખબર પહેલી મળેછે રોજ ખૂનરેજીને હત્યાની
અરે પાપી, ટીપાં રક્તનાં પ્રભુપર જઈ પડેલાં છે

સજા દેનાર છે પાપો તને હર મોડના ઉપર
ભૂલીજા શિક્ષા જે લઈને તને દુષ્કૃત્ય સુઝેલાં છે

સુધારો શી રીતે થાશે આ ધગધગ કરતી ધરતી પર!
‘સૂફી’, જ્યાં અંતઃકરણને મારી મારી ચૂપ કરેલાં છે

‘સૂફી’ પરમાર

No Comments »

હિંસાની પરંપરા

હિંસાની પરંપરા

દયા દિલમાં નથી તો પ્રીત પ્રભુથી કરી નથી શકતા
જપી માળા પ્રભુની જીવ હત્યા કરી નથી શકતા

તબાહીથી બચાવે આ જગતને તે અહિંસા છે
છતાં નુસખો મહાત્માઓનો જગને દઈ નથી શકતા

મહાવીરને કે ગૌતમને, મહાત્મા બાપુજીને પણ
અહિસાને તજી અંજલિ પવિત્ર દઈ નથી શકતા

હિસા જ્યાં જ્યાં થવા લાગી ત્યાં રંગ બદલાયા ધર્મોના
વણી જે જાળ હિંસાની હવે કતરી નથી શકતા

હજારો યુદ્ધ, સંઘષો થયાં, લાખો બીજાં થાશે
જ્યાં છે વિકૃતિ ધર્મોમાં ત્યાં હત્યા તજી નથી શકતા

જગત ધૂણી રહ્યું છે અંધ શ્રદ્ધાઓ ની મસ્તીમાં
જુઓ ભડકે બળે છે પણ્ બુઝાવી દઈ નથી શકતા

અમારાં જ્ઞાન મર્યાદિત છે ધર્મના કેદખાનામાં
છતાં ભ્રમ જ્ઞાનિ હોવાનો, અજ્ઞાનિ તજી નથી શકતા

ઓ ઈશ્વર તું સમજ દે નાસમજ ધર્માંધ ભક્તોને
કે હત્યારા બની ભક્ત કે નમાજી થઈ નથી શકતા

મહિમા શું છે કુદરતનો ‘સૂફી’ પુછીશના કોઈને
કુવામાંથી કોઈ, શું બાહાર છે તે કહી નથી શકતા

‘સૂફી’ પરમાર

1 Comment »

DO YOU RECOGNISE HIM ?

DO YOU RECOGNISE HIM ?

I meet God every day, since I saw Him first
I have roamed in search, with curiosity just

Omnipotent God, hides to avoid thrust
If you see Him still, you will not trust

In my every thought, Lord is always first
Love for Him is such, it never gathers rust

Every day and night, I remember holy verse
Search Him in your heart, to find Him even in dust

If you pray to God, one thing is a must
Love first every soul, forget to be unjust

‘Sufi’ Parmar

No Comments »

છૂપી અદાલત

છૂપી અદાલત

તમે શોધી રહ્યા છો સુખ કે જ્યા બસ દુઃખ ભરેલાં છે
દુઃખીજનનાં મિટાવો દુઃખ તો સુખ તેમાં રહેલાં છે

કોઈ આફત કે આપત્તિ વગર વાંકે નહીં આવે
ધરીને ધ્યાંન જોશો તો અમારાં કર્મ નડેલાં છે

પ્રકતિને અમે નિર્જીવ સમજીને જીવ્યા જીવન
અમે કુદરત વિરોધી કૃત્યો તેથી બહુ કરેલાં છે

નથી દુશ્મન, નથી કે દોસ્ત, કુદરત છે સ્વયંચાલિત
સમજમાં આવી કુદરત તેમને રત્નો જડેલાં છે

નથી સમજી શકાતાં જે વમળ કુકર્મ રચાવે છે
વમળથી શી રીતે બચશે જે ભમ્મરમાં ફસેલાં છે!

ધરમના શાસ્ત્રોમાં પૂરી કહાની કર્મો લક્ષિત છે
સમસ્ત દસ્તાંનો છે તે કર્મોએ રચેલાં છે

જે કઈં સમે ઉભેલું છે, નથી તે કર્મ તો શું છે?
કરીને દેહ-ધારણ કર્મ, કર્મબાજી રમેલાં છે

પ્રભુએ કર્મો પર કાબુ અમારા હાથમાં દઈને
વચન બદલાઓ લેવા દેવાનાં પૂરાં કરેલાં છે

‘સૂફી’ પરમાર

1 Comment »

મૃગજળ

મૃગજળ

ન સમજો જે છે દુનિયામાં તમારું, તે તમારું છે
નથી દુનિયામાં કઈં એવું, તમારું જે થનારું છે

આ સામગ્રી અને સાધન, આ ધન દોલત અને જીવન
તમારું કઈં નથી તેમાં, ભલે અત્યંત પ્યારું છે

જે કાલે અન્ય લોકોનું હતું, આજે તમારું છે
ફરી પાછું તમારું પણ, બીજાઓનું થનારું છે

છે મૃગજળ લાલસા જગની જે કર્તવ્ય ભુલાવે છે
ભગાવે છે, જીવન જ્યાં, ભાગી ભાગી વ્યર્થ જનારું છે

જુઓને પ્યાર કેવો છે પતંગાને દીપક ઉપર
જુઓ જઈને સવારે ત્યાં કે ત્યાં શું શું થનારું છે

પ્રભુ, ઈશ્વર, ખુદા, અલ્લાહ તો છે એક એક રજકણમાં
પરંતુ દિલમાં છે કે નહીં, નથી તો ત્યાં અંધારું છે

કરી જે કર્મોની ખેતી જગતમાં તે તમારી છે
ફળોનું હોય કે કાંટાનું, ઉત્પાદન તમારું છે

પ્રભુ આપીને સામગ્રી, પરિક્ષા લે છે માનવની
પ્રભુ માગેછે માનવથી તો કહેછે આ તો મારું છે

‘સૂફી’, સંગ્રામ છે જીવન સુકર્મોને કુકર્મોનો
થઈ સુકર્મોથી સજ ચાલજે જીવન જો પ્યારું છે

‘સૂફી’ પરમાર

2 Comments »

માલિક શોલા બુઝાવી દે

માલિક, શોલા બુઝાવી દે

થયું છે શું તને એ દિલ જરા એ તો બતાવી દે
રુદન તારું કરી હલકું જે દિલમાં છે જણાવી દે

છે દિલ પર બોજ કેવો કે છુપાવીને ફરે છે તું
કહીને વાત દિલની, બોજ દિલ પરથી હટાવી દે

હું ચમકીને ઉઠીને જોઉં છું આ આગના ભડકા
એ માલિક રહેમ વરસાવી આ શોલા તું બુઝાવી દે

અરે અજ્ઞાનતા તુંએ કરાવ્યાં ઘાતકી કૃત્યો
હિંસક માનવ બન્યો એવો કે ધરતી ધગધગાવી દે

પડોશીથી હતી જે ચાહના, વિખવાદમાં બદલી
છે ઉશ્કેરાટ કે સામે વસેલાને મિટાવી દે

સૂફી સંત ચૂપ થઈ બેઠા છે નાદાનોની વસ્તીમાં
પછી ક્યાંથી કોઈ દ્વેષોથી છૂટકારો અપાવી દે

અપેક્ષા શું કરું મહેકી ઉઠે આ દુનિયા ફૂલોથી
છૂપાં ફરમાન તો કહે છે કે ફૂલવાડી જલાવી દે

બતાવું ચહેરા વિકૃત ધર્મોના દર્પણમાં હું કોને!
ડરું છું લોક દર્પણને ન ભસ્મીભૂત બનાવી દે

ધસીને જાયછે વિનાશપંથે જગ ‘સુફી’ તારું
જમાના જુની દુશ્મની હવે તો તું ભુલાવી દે

‘સૂફી’ પરમાર

1 Comment »

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.