Archive for November, 2007

દિવ્ય સંગીત

દિવ્ય સંગીત

નથી હું સંત કે સૂફી, નથી મુલ્લા કે હું પંડિત
છતાં દિલમાં ગુંજ્યું મારા અનેરું ને અલૌકિક ગીત

નિરાલો પંથ છે આધ્યાત્મનો યાત્રા નિરાલી છે
લગન લાગે છે એવી કે નથી ઢળવું નિચે સંભવિત

જરુરત ક્યાં છે ઈશ્વર ને અમારી ભક્તિ પૂજાની
કરે નિર્મળ જે દિલને તે ખરી છે પ્રાર્થના ની રીત્

કહો છો ધર્મ શી રીતે, મઝહબ ઈમાન શી રીતે
કરી તારાજ લાખો ને તમે સમજો અગર તે જિત

તમે મિથ્યા કરો છો અલ્લાહ્ અલ્લાહ કે પ્રભુ ઈશ્વર
નથી દિલમાં ભરી હર જાન પ્રત્યે જો દયા ને પ્રીત

નથી કરતા તમાશો પ્રાર્થના નો સંત કે સૂફી
પ્રભુ ના આશીકો ની છે નિરાલી પ્રાર્થના ની રીત

હું મારા અંતઃકરણ ને પૂછી પૂછી ચાલું છું જગમાં
બતાવે છે અનેરી રાહ મને કરવા પ્રભુ થી પ્રીત

‘સૂફી’ છું હું અને કાવ્યોમાં છે આધ્યાત્મની ઝરમર
કરું છું આત્મસ્પર્શી વાત જ્યારે ગાઉં છું હું ગીત

‘સૂફી’ પરમાર

2 Comments »

આત્માના ફેરા

આત્માના ફેરા

તમારું કંઈ નથી જગમાં, વિચાર એનો કરી લેજો
મુસાફર છો આ દુનિયામાં, વિચાર એનો કરી લેજો

અગર સુકર્મો કરવાં છે તો તે આજે કરી લેજો
સમય તો થાપ દઈ જાશે, વિચાર એનો કરી લેજો

હતા ક્યાં સો વરસ પહેલે, હશું ક્યાં મૃત્યુ પામી ને
અગમ્ય આ સમસ્યા છે, વિચાર એનો કરી લેજો

તમે હિંદુ કે મુસ્લિમ છો, યહુદી કે ઈસાઈ છો
જનમ જ્યાં થાય છે તે છો વિચાર એનો કરી લેજો

પુનર્જન્મ માં ધર્મ શું હશે તે તો પ્રભુ જાણે
ઘમંડ ધર્મોના મિથ્યા છે, વિચાર એનો કરી લેજો

તમારાં રૂપ રંગ જાતી, પિતા કે માત ઘર જ્ઞાતિ
બધું બદલાશે પળભરમાં, વિચાર એનો કરી લેજો

પ્રકૃતિ જાગતી છે, જીવતી છે, છે અટલ ન્યાયી
પ્રતિક્રિયા છે કર્મો ની, વિચાર એનો કરી લેજો

‘સૂફી’એ વાતો આધ્યાત્મની કાવ્યોમાં કરેલી છે
જીવન ભેદો ભરેલું છે, વિચાર એનો કરી લેજો

‘સૂફી’ પરમાર

No Comments »

મુઠ્ઠીભર દિલ

મુઠ્ઠીભર દિલ

આ દિલ છે મુઠ્ઠી ભર પણ શું શું મેં તેમાં ભરેલુ છે
વિચિત્ર માન્યતાઓ એ આ દિલમાં ઘર કરેલું છે

અસત્ય,સત્ય છે સમજી વિતાવે છે જીવન લોકો
ઘણું જે માન્યું તેમાંથી ઘણું ખોટું ઠરેલું છે

જકડ છે અંધ શ્રધ્ધા ની હું હિંમ્મત હારી બેઠો છું
કહી શકતો નથી હું કે ઘણું ભૂલથી ભરેલું છે

અસત્યમાં થી સત્યની છે તારવણી ઘણી મુશ્કિલ
આ મિશ્રણે દગાથી સુખ જગતભર નું હરેલું છે

હવે દુઃખનું નિવારણ કરવાના ઉપચાર ક્યાં શોધું?
અસલ ધર્મોથી આજે તો જગત આખું ફરેલું છે

ઘણું સમજાવું છું દિલને દગાબાજી જવાદે તું
હવે દિલ છે કે થોડું થોડું પાપોથી ડરેલું છે

‘સૂફી’ લઈ આવ્યો છે સંદેશ કેવળ પ્રેમ નો જગમાં
બતાવો કોણ દુઃખ દઈને આ ભવસાગર તરેલુ છે?

‘સૂફી’ પરમાર

No Comments »

ઉત્પાતિ જગત

ઉત્પાતિ જગત

પ્રભુ તારા જગતના હાલ હવે તો જોવા જેવા છે
તને પણ દુઃખ થશે તે જોઈ ને બસ હાલ એવા છે

કરે છે લોક દાવા કે પ્રભુ તો બસ અમારા છે
જબર દસ્તી પ્રભુ તું જો પકડમાં તમને લેવા છે

નવા બંદા ખુદાના ને નવા ભક્તો પ્રભુ તારા
હવે ધરતી ધ્રુજાવી ને કહે છે ધર્મ સેવા છે

ભરી વસ્તિમાં ભય લાગે છે ભણકારાથી મૃત્યુના
હવે માનવમાં થોડા તો વરુ ને વાઘ જેવા છે

બળે છે ને મરે છે લોક જે નિર્દોષ, નિર્બળ છે
જે બાળે છે ને મારે છે તે સૂફી સંત કેવા છે?

કરેછે નષ્ટ દુનિયાને, લઈ અલ્લાહ પ્રભુ નું નામ
તે ઇન્સાન અને શેતાન જિગરી દોસ્ત જેવા છે

નહીં ચાલે કોઈ યુક્તિ કે ચાલાકી ‘સૂફી’ તારી
નિખાલસ દિલથી જીવીજા પછી જો બદલા કેવા છે

‘સૂફી’ પરમાર

No Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.