Archive for March, 2008

છૂપી અદાલત

છૂપી અદાલત

તમે શોધી રહ્યા છો સુખ કે જ્યા બસ દુઃખ ભરેલાં છે
દુઃખીજનનાં મિટાવો દુઃખ તો સુખ તેમાં રહેલાં છે

કોઈ આફત કે આપત્તિ વગર વાંકે નહીં આવે
ધરીને ધ્યાંન જોશો તો અમારાં કર્મ નડેલાં છે

પ્રકતિને અમે નિર્જીવ સમજીને જીવ્યા જીવન
અમે કુદરત વિરોધી કૃત્યો તેથી બહુ કરેલાં છે

નથી દુશ્મન, નથી કે દોસ્ત, કુદરત છે સ્વયંચાલિત
સમજમાં આવી કુદરત તેમને રત્નો જડેલાં છે

નથી સમજી શકાતાં જે વમળ કુકર્મ રચાવે છે
વમળથી શી રીતે બચશે જે ભમ્મરમાં ફસેલાં છે!

ધરમના શાસ્ત્રોમાં પૂરી કહાની કર્મો લક્ષિત છે
સમસ્ત દસ્તાંનો છે તે કર્મોએ રચેલાં છે

જે કઈં સમે ઉભેલું છે, નથી તે કર્મ તો શું છે?
કરીને દેહ-ધારણ કર્મ, કર્મબાજી રમેલાં છે

પ્રભુએ કર્મો પર કાબુ અમારા હાથમાં દઈને
વચન બદલાઓ લેવા દેવાનાં પૂરાં કરેલાં છે

‘સૂફી’ પરમાર

1 Comment »

મૃગજળ

મૃગજળ

ન સમજો જે છે દુનિયામાં તમારું, તે તમારું છે
નથી દુનિયામાં કઈં એવું, તમારું જે થનારું છે

આ સામગ્રી અને સાધન, આ ધન દોલત અને જીવન
તમારું કઈં નથી તેમાં, ભલે અત્યંત પ્યારું છે

જે કાલે અન્ય લોકોનું હતું, આજે તમારું છે
ફરી પાછું તમારું પણ, બીજાઓનું થનારું છે

છે મૃગજળ લાલસા જગની જે કર્તવ્ય ભુલાવે છે
ભગાવે છે, જીવન જ્યાં, ભાગી ભાગી વ્યર્થ જનારું છે

જુઓને પ્યાર કેવો છે પતંગાને દીપક ઉપર
જુઓ જઈને સવારે ત્યાં કે ત્યાં શું શું થનારું છે

પ્રભુ, ઈશ્વર, ખુદા, અલ્લાહ તો છે એક એક રજકણમાં
પરંતુ દિલમાં છે કે નહીં, નથી તો ત્યાં અંધારું છે

કરી જે કર્મોની ખેતી જગતમાં તે તમારી છે
ફળોનું હોય કે કાંટાનું, ઉત્પાદન તમારું છે

પ્રભુ આપીને સામગ્રી, પરિક્ષા લે છે માનવની
પ્રભુ માગેછે માનવથી તો કહેછે આ તો મારું છે

‘સૂફી’, સંગ્રામ છે જીવન સુકર્મોને કુકર્મોનો
થઈ સુકર્મોથી સજ ચાલજે જીવન જો પ્યારું છે

‘સૂફી’ પરમાર

2 Comments »

માલિક શોલા બુઝાવી દે

માલિક, શોલા બુઝાવી દે

થયું છે શું તને એ દિલ જરા એ તો બતાવી દે
રુદન તારું કરી હલકું જે દિલમાં છે જણાવી દે

છે દિલ પર બોજ કેવો કે છુપાવીને ફરે છે તું
કહીને વાત દિલની, બોજ દિલ પરથી હટાવી દે

હું ચમકીને ઉઠીને જોઉં છું આ આગના ભડકા
એ માલિક રહેમ વરસાવી આ શોલા તું બુઝાવી દે

અરે અજ્ઞાનતા તુંએ કરાવ્યાં ઘાતકી કૃત્યો
હિંસક માનવ બન્યો એવો કે ધરતી ધગધગાવી દે

પડોશીથી હતી જે ચાહના, વિખવાદમાં બદલી
છે ઉશ્કેરાટ કે સામે વસેલાને મિટાવી દે

સૂફી સંત ચૂપ થઈ બેઠા છે નાદાનોની વસ્તીમાં
પછી ક્યાંથી કોઈ દ્વેષોથી છૂટકારો અપાવી દે

અપેક્ષા શું કરું મહેકી ઉઠે આ દુનિયા ફૂલોથી
છૂપાં ફરમાન તો કહે છે કે ફૂલવાડી જલાવી દે

બતાવું ચહેરા વિકૃત ધર્મોના દર્પણમાં હું કોને!
ડરું છું લોક દર્પણને ન ભસ્મીભૂત બનાવી દે

ધસીને જાયછે વિનાશપંથે જગ ‘સુફી’ તારું
જમાના જુની દુશ્મની હવે તો તું ભુલાવી દે

‘સૂફી’ પરમાર

1 Comment »

સ્થાપિત શ્રદ્ધાઓ

સ્થાપિત શ્રદ્ધાઓ

પડેલા ડાઘ ધોઈ દિલ પવિત્ર મેં બનાવ્યું છે
તને રહેવા પ્રભુ દિલ મારું તું જો જગમગાવ્યું છે

ભરેલા જે હતા દિલમાં અહંકારો, નિંદા, ઈર્ષા
કરીને દૂર દુર્ગુંણો મેં શીશ મારું નમાવ્યું છે

હતી અદશ્ય દિવાલો, મેં એવા કેદખાનામાં
સહી અજ્ઞાન, અને અસત્ય જીવન મેં વિતાવ્યું છે

ઘણી ચિંતા હતી દિલમાં, ફસી માયાના બંધનમાં
હવે તો પ્રેમ, પૂજાને દયાથી દિલ સજાવ્યું છે

હજુ શ્રદ્ધાઓ સ્થાપિત દે છે દસ્તક દ્વારના ઉપર
પરંતુ ડગમગેના દિલ, મેં આધ્યાત્મ પચાવ્યું છે

કરી આત્મ મીમાંસા જે કોઈ જીવ્યા છે ધરતી પર
પ્રકતિ સાથે સંબંધ પ્રાણનો શું છે બતાવ્યું છે

મનન ચિંતન હવે ક્યાં છે આ કોલાહલ ભર્યા જગમાં
અહીં વર્ગભેદની ભ્રાંતિએ વરચસ્વ જમાવ્યું છે

‘સૂફી’ તું ક્યાં અને ક્યારે કરેછે ભક્તિ ઈશ્વરની?
સુકર્મો ઉચ્ચ ભક્તિ છે મને રબએ શીખાવ્યું છે

‘સૂફી’ પરમાર

1 Comment »

DISCLAIMER

DISCLAIMER

I am author of “ ADDHYATMIC KAVYO” ( i.e. Mystical poems). Nothing in my poems, in my words, phrases, sentences and/or ‘shers’ therein,refers to any religion, class of people, community and/or individual(s) and if anything therein resembles or appears so, it will be purely incidental and not by design.
‘Sufi” Parmar

મારાં કવ્યો આધ્યાત્મિક છે. માત્ર પ્રજાના ભલા માટે, અધઃપતનને અટકાવવા માટે અને ભાઈચારો વધારવા માટેનો મારો પ્રયાસ છે. ધર્મો, આધ્યાત્મ સુધી પહોંચવાની નિસરણીઓ છે અને આધ્યાત્મ મોક્ષની સ્વાગત પરસાળ છે. નિસરણીઓ જર્જરિત થાય તો આધ્યાત્મ સુધી ન પહોંચી શકાય. ધર્મો, ખંદિત અને ભ્રષ્ટ થાય તો તેનાં ભયંકર વિપરીત પરિણામો આવે. કોઈ પણ ધર્મ, કોમ કે વ્યક્તિ{ઓ} પ્રત્યે દ્વેષ કે દુર્ભાવનાથી મારી કવિતાઓમાં કઈં લખાયું નથી. તેમ છતાં જો કોઈને તેવું લાગે તો હું તેમની અંતઃકરણપૂર્વક ક્ષમા માગું છું
‘સૂફી’ પરમાર

No Comments »

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help