સંકટ નિવારણ

સંકટ નિવારણ

પ્રભુની સામે બેઠો છે, એ સમજી ને દુઆ કરજે
તને જોયા કરેછે એમ સમજી ને પૂજા કરજે

નથી આવડતા કોઈ બોલ જો પૂજા કે ભક્તિના
તું વહેતાં આંસુઓની આરતી લઈ ને ઝુક્યા કરજે

જીવનમાં દુઃખ અને આપત્તિ આવે છે કુકર્મોથી
ટળે છે દુઃખ સુકર્મોથી, તું સુકર્મો કર્યા કરજે

ગયું છે જ્ઞાન પડદામાં, ચઢ્યું અજ્ઞાન ચૌટામાં
અહીં મતભેદ છે લાખો, તુ ગૂંચવણ થી બચ્યા કરજે

છે કર્મકાંડની ઝગમગ, તને ઈશ્વર ત્યાં ક્યાં મળશે
છુપી બેઠા છે ઈશ્વર દિલમાં, દિલમાં જઈ મળ્યા કરજે

જીવનમાં દુઃખ જે આવે છે, ડહાપણ લઈને આવે છે
વિના કારણ નથી ઘટના કોઈ, ચિંતન કર્યા કરજે

‘સૂફી’ને સુખ અને દુઃખમાં ભણક ભગવાનની થઈ છે
કહેછે તું પ્રભુતાના નશામાં નિત રહ્યા કરજે

‘સૂફી’ પરમાર

No Comments »

પ્રભુ નાં ઘર

પ્રભુ નાં ઘર

પ્રભુજી ઈંટ અને પથ્થરનાં ઘર આપ્યાં અમે તમને
નથી દિલ માં જગ્યા, રાખે કોઈ દિલમાં હવે તમને

અમારું ઘર અમારું છે, તમારું ઘર તમારું છે
તમે રહેજો તમારે ત્યાં, મળી શું ત્યાં અમે તમને

પરિસ્થિતિ તમારી લાગેછે કેદી સમી અમને
તમારું ધૈર્ય જોઈ ને હું લાગું છું પગે તમને

તમે વિશ્વ બનાવ્યું પણ તમોને ઘર અમે આપ્યાં
કહો તો ઘર ઘણા બીજાં બનવી આપીએ તમને

થશે ઉદ્ધાર્ માનવ જાતનો શી રીત થી જગમાં
રમીને ખૂનની હોળી અમે જો ઝુકીએ તમને

દયા સાગર ખરાબે જઈ ચઢી છે આજની દુનિયા
બતાવો શું કરી ને પાછા જગમાં લાવીએ તમને

પરિવર્તન પ્રભુ લાવોને માનવજાતની અંદર
તજીને ધર્મોનાં ઘર્ષણ અમે સૌ પૂજીએ તમને

‘સૂફી’ પરમાર

1 Comment »

પ્રભુ ની યાદ આવે છે

પ્રભુ ની યાદ આવે છે

મને હર વાતમાં જાણે પ્રભુની યાદ આવે છે
ગણાવું શું શું કે જેમાં પ્રભુની યાદ આવે છે

મને આકાશ જોઈને, જોઈને તારલાનું ઝુંડ
સમજ પડતી નથી તો પણ્ પ્રભુની યાદ આવે છે

ફૂલોમાં રંગ અને ખુશ્બુ ભરેછે કોણ શી રીતે
નજર પડતાં ફૂલો ઉપર પ્રભુની યાદ આવે છે

મધુરાં સ્મિત બાળકનાં અને જીજ્ઞાશા ચંચળતા
બધી નિર્દોષ હરકતમાં પ્રભુની યાદ આવે છે

આ પ્રુથ્વિને વધુ સુંદર આ ચંદરમા બનાવે છે
મને આ ચાંદની જોઈ પ્રભુની યાદ આવે છે

વગાડે વાંસળી કોઈ તો મન ડોલી ઉઠે મારું
સુરોંની મિઠી લહેરોમાં પ્રભુની યાદ આવે છે

અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે ધરતીકંપ કે દાવાનળ
બધી બરબાદી જોઈ ને પ્રભુની યાદ આવે છે

‘સૂફી’ને રંજ છે પાપો કર્યાં તેનો ઘણો દિલમાં
કરી લેવા હવે તોબા પ્રભુની યાદ આવે છે

‘સુફી’ પરમાર

2 Comments »

પ્રેમ પેદા કર

પ્રેમ પેદા કર

જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી
કદી ઈશ્વર, કદી અલ્લાહ કહી માળા જપી તારી

વસે છે દિલમાં તું મારા અને દુનિયા ની રજ રજ માં
નજર જ્યાં જ્યાં પડી ત્યાં ત્યાં મેં જોઈ છે છબી તારી

આ દોરી શ્વાસની મારી અને આ દિલના ધબકારા
મેં આ ઘટમાળમાં જોયું, કરામત છે ભરી તારી

ગયો મંદિરોમાં ને હું ગયો મસ્જિદોમાં ભગવંત
ગયો ગુરુદ્વારા, ગિરજામાં, કરી ત્યાં બંદગી તારી

પહાડો જંગલો દરિયા, સરોવર વાદળો રણમાં
નઝારા જ્યાં મેં જોયા ત્યાં, કરી છે આરતી તારી

મળી છે પ્રેમમાં તારા નવી દ્રષ્ટિ પ્રભુ પ્યારા
હરેક સતસંગમાં તેથી મળી મોજુદગી તારી

પુજારી કે નમાજી ના દિલોમાં પ્રેમ પેદા કર
કે ધર્મોમાં પૂરી થઈ જાય, જ્યાં જ્યાં છે કમી તારી

પ્રભુ તરબોળ તારા ઈશ્કમાં છે આતમા મારો
હવે હરપળ ‘સૂફી’ કરતો રહે છે બંદગી તારી

‘સૂફી’ પરમાર

No Comments »

હૃદય નો સાથ રાખું છું

હૃદય નો સાથ રાખું છું

હું માટી નો બનેલો છું, હમેશાં યાદ રાખું છું
અને આ પ્રાણ દિવ્ય છે, એવા સંસ્કાર રાખું છું

બહુ અલ્પ સમય માટે છે મારી યાત્રા જગની
ફરી માટી બનીશ જલ્દી તે હૈયે વાત રાખું છું

હૃદય ની મારી ધડકન માં જે વાતો છે નિરાલી છે
હૃદય ની વાત સાંભળવા, હૃદય નો સાથ રાખું છું

નથી જગમાં કોઈ પણ સર્વજ્ઞાનિ, સર્વગુંણસંપન્ન
દુઃખે ના દિલ કોઈ નું, હું હરેકની વાત રાખું છું

સભર છે દિલ દયા થી પ્રેમ થી એવો અગર છું ભક્ત
પ્રભુ ચાહશે મને, એ વાત પર વિશ્વાસ રાખું છું

પ્રભુના પ્રેમ માં ભીનો થયો છે આતમા મારો
કરું છું વાત જ્યારે હું હૃદય પર હાથ રાખુંછું

કોઈ અલ્લાહ કહે, ઈશ્વર કહે કોઈ, ખુદા ભગવાન
હું મલિકના બઘાં નામો ના પ્રત્યે પ્યાર રાખું છું

‘સૂફી’ ને લઈ જવો છે આતમા નિર્મળ પ્રભુ પાસે
કહે છે, આતમા ને માંજી માંજી સાફ રાખું છું

‘સૂફી’ પરમાર

No Comments »

સુકર્મો કરી ને જો

સુકર્મો કરી ને જો

અનુભવ કરવા દિવ્યતા નો સુકર્મો કરી ને જો
પ્રભુ પ્રત્યે નિખાલસ પ્રેમ દિલ માં તું ભરી ને જો

પૂજા ને પ્રાર્થના કરનાર લાખો લોક છે જગમાં
બહુ થોડાજ સાચા ભક્તો છે તું જગ ફરી ને જો

વિનાં સુકર્મો લુખી ને સુકી છે પ્રાર્થના તારી
તું તારા કર્મો માં સુકર્મોના રત્નો જડી ને જો

બહુ સહેલું છે રટવું નામ ઈશ્વર નું ને અલ્લાહ નું
પ્રભુ દિલ માં વસે તું ધ્યાન જરા એવું ધરી ને જો

હજારો દાસ્તાંનો, પ્રવચન તેં સાંભળાં જગમાં
તું તારા અંત્ઃકરણના નાદને પણ સાંભળીને જો

ઘણું માગે છે ઈશ્વર થી કરી ને હાથ તું ઊંચા
અનાથો નું પ્રથમ થોડું ભલું તું પણ કરી ને જો

ભલે યોગી ના બનજે તું વિહરવા ને પ્રભુ પંથે
પ્રભુ ના પ્રેમ માં સંસારી રહી ને પણ પડીને જો

દવા કરીયે છીયે જો રોગ લાગે છે આ કાયા ને
ઘણા રોગો જે દિલ માં છે તે રોગોથી લડી ને જો

હજારો રીત છે ‘સૂફી’ ઈબાદતની ને ભક્તિની
સ્ફુરે જે આત્મ ચિંતન થી તે ભક્તિ તું કરી ને જો

‘સૂફી’ પરમાર

No Comments »

બધાં રૂપ રંગ એનાં છે

બધાં રૂપ રંગ એનાં છે

બનાવ્યુ આ જગત જેણે, બધાં રૂપ રંગ એનાં છે
જ્યાં દ્રષ્ટિ જઈ પડે છે ત્યાં, બધાં રૂપ રંગ એનાં છે

ફૂલો લહેરાય છે ત્યાં ત્યાં, સુરીલી ધૂન ગુંજે છે ત્યાં
કળાધર ની કળા છે ત્યાં, બધાં રૂપ રંગ એનાં છે

છે ભક્તિભાવ જો દિલમાં, જો દિલ છે પ્રેમ નું ઝરણુ
કસોટી છે કે તું માને, બધાં રૂપ રંગ એનાં છે

અગર જો નાત જાતો ના અતૂટ વાડા બનેલા છે
તો સમજાશે પછી ક્યાંથી, બધાં રૂપ રંગ એનાં છે

નથી દિલમાં દયા તો વ્યર્થ પૂજા પ્રાર્થનાઓ છે
ભરી દિલમાં દયા તું જો બધાં રૂપ રંગ એનાં છે

નથી કોઈ કમી ભક્તો ની આ બિમાર દુનિયા માં
છતાં સમજાયું ક્યાં છે કે બધા રૂપ રંગ એનાં છે

આ મસ્તક રાખી ધરતી પર ‘સૂફી’એ પ્રાર્થના કીધી
તો દિલ બોલી ઉઠ્યું છે કે બધાં રૂપ રંગ એનાં છે

‘સૂફી’ પરમાર

No Comments »

ફૂલ અને ફૂલવાડી

ફૂલ અને ફૂલવાડી

પૂજારી પ્રાર્થના પહેલાં નજર ચારિત્ર પર કરજે
પછી ઈશ્વર ના સામે આરતી હાથોમાં તું ધરજે

પ્રભુને ફૂલ પ્યારાં છે, અગર તું એમ સમજે છે
તો તારા હાથોમાં પુષ્પો છે તેવું દિલ પ્રથમ કરજે

ઘમંડ, ઈર્ષા ને ઘૃણા ક્રોધ થી દિલ થાય છે મેલું
લઈ ને મેલ દિલમાં તું પ્રભુ સામે જતાં ડરજે

બહુ લલચાવે જ્યારે પાપ કરવા, જાળ માયાની
તું તારા અંતકરણ ને પૂછી પૂછી ને કદમ ભરજે

ખિલેછે ફૂલ અને મહેકે છે કાંટા થી ઉપર જઈ ને
નીચે રહી જાય છે કાંટા, તું કાંટાઓ થી ના ડરજે

ખુમારી હોય, સાથે જોશ્ તારા તન અને મનમાં
તો અવગુણ થી લડી, થઈ શુદ્ધ ભવસાગર ને તું તરજે

ઘણા ફૂલોની ખુશ્બુ આજ પણ મહેકે છે ગ્રંથોમાં
‘સૂફી’ તું પણ સુગંધી ફૂલ દઈ જગને પછી મરજે

‘સૂફી’ પરમાર

1 Comment »

દિવાનો થઈ ને બેઠો છું

દિવાનો થઈ ને બેઠો છું

કરામત જોઈ ઈશ્વરર્ની, દિવાનો થઈ ને બેઠો છું
પ્રભુ ને જોઈ રજ રજ માં દિવાનો થઈ ને બેઠો છું

બતાવું શી રીતે શું છે, મહિમા સૃષ્ટિ સરજન ની
થઈ ઝાંખી મને જેની, દિવાનો થઈ ને બેઠો છું

ઘડી ભર જીવી લઉં જગમાં ચમક દઈ ને હું સતસંગમાં
અસર છોડી જવા જગમાં, દિવાનો થઈ ને બેઠો છું

નથી પાંડિત્ય, કર્મકાંડ કે સન્યાસ મારા માં
છે કેવળ પ્રેમ નો નાતો, દિવાનો થઈ ને બેઠો છું

જગત છલકાયું ગિરજા થી, અને મંદિરો મસ્જિદ થી
જગ્યા ક્યાં રહી પ્રભુ માટે, દિવાનો થઈ ને બેઠો છું!

આ ટુકડા કાચના છે કે, હીરો છે કોઈ આ ઢગમાં !
થઈને કાચથી ઘાયલ, દિવાનો થઈને બેઠો છું

જ્યાં કત્લેઆમ છે ભક્તિ, ઈબાદત ખુંન રેલાવી
દિવાની દુનિયા છે કે, હું દિવાનો થઈ ને બેઠો છું!

જો ટપકે રક્ત માનવનું તો ધડકો થાય છે ઉપર
ધ્રુજારી થાય છે જગમાં, દિવાનો થઈ ને બેઠો છું

સમજદારો માં મારું નામ, ના લખજે જમાના તું
‘સૂફી’ કહે છે જમાના ને, દિવાનો થઈ ને બેઠો છું

‘સૂફી’ પરમાર્

No Comments »

સંકુચિત મનોદશા

સંકુચિત મનોદશા

હું માગુ છું દયા તારી, તું ભવસાગર તરાવી દે
બહુ પાપો કર્યાં છે પણ દયા તારી બતાવી દે

દગા દંભ ને નિંદા કરવા માં વીત્યું છે જીવન મારું
દુખાવું દિલ ના કોઈનું આ દિલ એવું બનાવી દે

હું છું માટી ની રજકણ, શું મહિમા સમજું હું તારી
તને કરવા પ્રસન્ન શું કરું, તું એ બતાવી દે

પ્રગતિ થઈ છે માથે હાથ દઈ દુનિયા માં રોવાની
કોઈ જ્યાં એક પાગલ ચાહે તો જગને જલાવી દે

ઘણું ભટ્ક્યો જગતમાં પ્રાપ્ત કરવા જ્ઞાન હું તારું
કરું શું જ્ઞાન ને જે દિલ ને સંકુચિત બનાવી દે

ખરાબે જઈ ચઢ્યા ધર્મો, ને ડામડોળ થઈ દુનિયા
ધરમવળાઓ ને તું ભાન ભૂલોનું કરાવી દે

‘સૂફી’ નું વ્યર્થ ગયું જીવન, જોઈ તકરાર ધર્મો ની
પ્રભુ માગુ છું, માનવમાં તું માનવતા જગાવી દે

‘સૂફી’ પરમાર

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.