સંકુચિત મનોદશા
Oct 6th 2007'Sufi'Uncategorized
સંકુચિત મનોદશા
હું માગુ છું દયા તારી, તું ભવસાગર તરાવી દે
બહુ પાપો કર્યાં છે પણ દયા તારી બતાવી દે
દગા દંભ ને નિંદા કરવા માં વીત્યું છે જીવન મારું
દુખાવું દિલ ના કોઈનું આ દિલ એવું બનાવી દે
હું છું માટી ની રજકણ, શું મહિમા સમજું હું તારી
તને કરવા પ્રસન્ન શું કરું, તું એ બતાવી દે
પ્રગતિ થઈ છે માથે હાથ દઈ દુનિયા માં રોવાની
કોઈ જ્યાં એક પાગલ ચાહે તો જગને જલાવી દે
ઘણું ભટ્ક્યો જગતમાં પ્રાપ્ત કરવા જ્ઞાન હું તારું
કરું શું જ્ઞાન ને જે દિલ ને સંકુચિત બનાવી દે
ખરાબે જઈ ચઢ્યા ધર્મો, ને ડામડોળ થઈ દુનિયા
ધરમવળાઓ ને તું ભાન ભૂલોનું કરાવી દે
‘સૂફી’ નું વ્યર્થ ગયું જીવન, જોઈ તકરાર ધર્મો ની
પ્રભુ માગુ છું, માનવમાં તું માનવતા જગાવી દે
‘સૂફી’ પરમાર