ઝબકતું સત્ય
Jan 29th 2008'Sufi'Uncategorized
ઝબકતું સત્ય
તમારા સામે બેસીને, પ્રભુ પૂજા કરી લઉ છું
કરીને યાદ પાપોને ઘડીભર હું રડી લઉ છું
અલૌકિક જ્ઞાનની વાતો સુઝાડી જે તમે ઈશ્વર
કદીક ગર્ભિત વચનોમાં હું સત્સંગમા કહી લઉ છું
જે ખોટું થાય છે તેને કદીક ખોટું કહી લઉ છું
મને ઈજા કે હાની પહોંચે તો દુઃખ તે સહી લઉ છું
બહુ કપરી સજા છે સત્ય જો બોલે અહીં કોઈ
કદીક લાચાર થઈ હું ઢોંગની બાજી રમી લઉ છું
રહે છે ચિત ઘણું ચંચળ સમૂંહ પૂજા કરું છું તો
પડે છે પાછું દિલ તેથી સ્વયં પૂજા કરી લઉ છું
છે લોકોની પસંદ શું તે મુજબ જીવી ગયો જીવન
મચી હલચલ છે મારા આતમામાં તે સહી લઉ છું
સમજ આવી તો આવી છે જીવનની અંત ઘડીઓમાં
જીવનને વેડફ્યું પસ્તાવો તેનો હું કરી લઉ છું
ઝબકતું સત્ય કુદરતની કિતાબોમાં જોઈ ‘સૂફી’
વસાવી દિલમાં સત્ય, કવ્યોમાં તેને જડી લઉ છું
‘સૂફી’ પરમાર