મૃગજળ
Mar 19th 2008'Sufi'Uncategorized
મૃગજળ
ન સમજો જે છે દુનિયામાં તમારું, તે તમારું છે
નથી દુનિયામાં કઈં એવું,  તમારું જે થનારું છે 
આ સામગ્રી અને સાધન, આ ધન દોલત અને જીવન
તમારું કઈં નથી  તેમાં,  ભલે  અત્યંત  પ્યારું છે
જે કાલે  અન્ય  લોકોનું હતું,  આજે  તમારું છે
ફરી પાછું  તમારું પણ,  બીજાઓનું  થનારું છે
છે મૃગજળ  લાલસા જગની  જે  કર્તવ્ય ભુલાવે છે
ભગાવે છે, જીવન જ્યાં, ભાગી ભાગી વ્યર્થ જનારું છે
જુઓને  પ્યાર કેવો છે  પતંગાને  દીપક ઉપર
જુઓ જઈને સવારે ત્યાં કે ત્યાં શું શું થનારું છે
પ્રભુ, ઈશ્વર, ખુદા, અલ્લાહ તો છે એક એક રજકણમાં
પરંતુ દિલમાં છે  કે નહીં,  નથી તો  ત્યાં અંધારું છે
કરી  જે  કર્મોની  ખેતી  જગતમાં   તે તમારી છે
ફળોનું   હોય  કે  કાંટાનું,  ઉત્પાદન  તમારું  છે
પ્રભુ આપીને  સામગ્રી, પરિક્ષા  લે છે માનવની
પ્રભુ માગેછે માનવથી તો કહેછે  આ તો મારું છે
‘સૂફી’,  સંગ્રામ છે  જીવન  સુકર્મોને  કુકર્મોનો
થઈ સુકર્મોથી સજ ચાલજે જીવન જો પ્યારું છે 
‘સૂફી’ પરમાર
