બોલતી કુદરત

બોલતી કુદરત

મને પરમાત્માએ ભાન સત્યનું કરાવ્યું છે
રહસ્ય જિંદગીનું દિલમાં મારા જગમગાવ્યું છે

સતત કુદરતનું સંબોધન પડ્યું છે કાન પર મારા
જીવન સાર્થક થયું કે સત્ય દિલમાં મે વસાવ્યું છે

ઈબાદતને પૂજાથી ફાયદો છે શું જમાનાને ?
પૂજા છે જો જીવન દુઃખીજનોને કામ આવ્યું છે

રટું છું રાત અને દિવસ પ્રભુનું નામ, અલ્લાહ્નુંનું
છતાં દુષ્ટ જાળમાં ઘૃણાની દિલને મેં ફસાવ્યું છે

પશુવૃત્તિને ધર્મવૃત્તિ સમજનારાઓએ જગમાં
વહે છે પાણી જે રીતે, તે રીતે રક્ત વહાવ્યું છે

ગયા ક્યાં જે હતા વૈષ્ણવોજન દુનિયાની વસ્તીમાં!
ગયું ક્યાં નરસિંહ, મિરાએ, કબીરે જે શિખાવ્યું છે!

‘સૂફી’ પહોંચાડે છે વાતો તમારા આતમા સુધી
અપ્રીય થઈને પણ કવ્યોમાં સત્ય જગમગાવ્યું છે

‘સૂફી” પરમાર

No Comments »

રંગાએલાં જ્ઞાન

રંગાએલાં જ્ઞાન

વગર ચિંતન મનન વાતો રૂઢિચુસ્ત માની બેઠો છું
અતિસુંદર આ જીવનને કરી હું હાની બેઠો છું

નથી પરવા કરી શું તથ્ય છે જે માનું છું તેમાં
કરે જે અંતઃકરણ ફરિયાદ સમજી નાની બેંઠો છું

ફસેલો છું જગત ઈતિહાસના ખંડેરોના ઢગમાં
અમારી અવનતિનું શું છે કરણ જાણી બેઠો છું

બની બેઠો છું રક્ષક અર્થહીન હું માન્યતાઓનો
કરું છું ગર્વ કે એક હુંજ જગમાં જ્ઞાનિ બેઠો છું

જગતમાં જ્ઞાન છે પણ મનપસંદ રંગોમાં રંગેલું
હું એવા જ્ઞાનના ઉપર થઈ અભિમાની બેઠો છું

ન ખુલી આંખ મારા આતમાની કે ભૂલો પરખું
છતાં જગને મનાવું છું, હું સર્વજ્ઞાનિ બેઠો છું

‘સૂફી’ બક્ષિશો આપેલી પ્રભુએ, શું થયું તેનું?
બધી સોગાત કુદરતની કરી ધૂળધાણી બેઠો છું

‘સૂફી’ પરમાર

No Comments »

ધ્રૂજતી જ્યોત

ધ્રૂજતી જ્યોત

વિચારો ક્રાન્તિકારી લઈ અસ્વસ્થ થઈ ફરૂં છું હું
જે હાલત છે જમાનાની બહુ તેથી ડરું છું હું

ઘણી વાતો કરું હું ઉગ્રતાવાદી જગતને પણ
જે દિલમાં છે તે બોલું તો વિનાં વાંકે મરું છું હું

વિચિત્ર માન્યતાની બેડીઓ લાગેલી છે પગમાં
કલમથી તોડવા તેને કલમબાજી કરું છું હું

વિના ધર્મોની દુનિયાની કરું છું કલ્પના જ્યારે
નવા રૂપ્ રંગમાં આ ધરતીના દર્શન કરું છું હું

સમર્થન ક્યાં મળે મારા વિચારોને કલિયુગમાં
હું તો છું એકલો તેથી જમાના થી ડરું છૂ હું

પ્રગતિશીલ વિચારોના શિકારીથી ડરીને હું
જમાનાને પસંદ આવે છે તે વાતો કરું છું હું

વિચારોને કબરમાં લઈ જવાના પાપથી બચવા
વિચારોને ઇશારાઓમાં વ્યક્ત કરતો ફરું છું હું

મેં જોયા રંગ દુનિયાના બદલતાને બગડતા પણ્
અધર્મ, ધર્મ થઈ ચમકે તો આહ ઊંડી ભરું છું હું

પ્રભુથી પ્રેમ છે મારો, મને છે પ્રેમ પંથ પ્યારો
પવિત્ર પ્રેમથી ભરપૂર ધર્મ હૈયે ધરું છું હું

નહીં ધર્મોમાં પણ સુકર્મોમાં છે મોક્ષનો રસ્તો
‘સૂફી’ કહેછે કે શાસ્ત્રોમાં કહી વાતો કરું છું હું

‘સૂફી’ પરમાર

1 Comment »

પૂર્વ જનમનાં પાપ

પૂર્વ જનમનાં પાપ

ઘણી પૂર્વ જનમની યાદ આવે છે મને વાતો
અચાનક ચમકી ચમકીને ઉઠ્યો છું કેટલી રાતો

કરેલા મેં ઘણા અન્યાય થઈ ચાલાક તે કાળે
ઘણા નિર્દોષને મારી હતી ઠોકર અને લાતો

કરેલો જ્ઞાનનો ઉપયોગ મેં વિકર્મ કરવામાં
મને સારી રીતે જો કે પ્રભુનો પંથ સમજાતો

મે મારી નાતને સમજી હતી કે શ્રેષ્ઠ છે જગમાં
અને ધુતકારતો હું રાત અને દિવસ બીજી નાતો

હું વિકૃત માણસાઈથી થએલો ધર્મભ્રષ્ટ પાપી
અનુંભવ કરતો આનંદનો થતી જ્યાં દર્દની વાતો

હવેતો આ જીવનમાં હું સહું છું વેદના પીડા
થયું છે ભાન, શું છે કર્મનો ને જાનનો નાતો

જીવનભર સુખ અને દુઃખની કરેછે ખેતી હર માનવ
અને સુખદુઃખની નીપજં જાયછે કર્મોથી સર્જાતો

‘સૂફી’ જન્મો મરણની આ સમસ્યા ધ્યાંનમાં ધરજે
ભલે આ કોયડો જગમાં નથી સંપૂર્ણ સમજાતો

‘સૂફી’ પરમાર

No Comments »

અટ્ટહાસ્ય

અટ્ટહાસ્ય

સવારે પણ અને સાંજે, ખુશીકે દર્દના સાથે
મને આવેછે તારી યાદ, એક એક શ્વાસના સાથે

કદી ધ્રુજી ઉઠે કાયા, વધેજો દિલના ધબકારા
કરુંછું સામનો આફતનો, તારી યાદના સાથે

હું એવા ધર્મસ્થાનોમાં, કરું છું પ્રાર્થના, સજદા
તિરસ્કારો શિખવવાનું નથી જ્યાં પ્રાર્થના સાથે

કર્યો શ્રમ પ્રાપ્ત કરવા જ્ઞાન અલૌકિક, જ્ઞાનિ બનવાને
ખબર ન્હોતી, દહાપણને છુપાવીશ વેદના સાથે

નથી ઈન્કાર કરતો કે પ્રગતિ થઈ નથી તો પણ
પડેછે ફાળ દિલમાં નિત નવા લલકારના સાથે

નવી વાતો જે કરનારા હતા, વધસ્તંભે જઈ પહોંચ્યા
વિચારો લઈ જઈશ હું કબ્રમાં અટ્ટહાસ્યના સાથે

ભલેને દ્વેષભાવોથી ભરી છે આજની દુનિયા
‘સૂફી’ હર કોઈને ભેટે છે દિલથી પ્રેમના સાથે

‘સૂફી’ પરમાર

No Comments »

સુરીલી ધૂંન

સુરીલી ધૂંન

ચમકતી જોઈ છે રજ રજમાં મેં મોજુદગી તારી
થયો વિશ્વાસ હવે, દ્રષ્ટિ નથી ખામીભરી મારી

જીવનભર મેં કરી શંકા, પ્રભુ અસ્તિત્વ પર તારા
છતાં કમ થઈ નથી રજભર કૃપાને બક્ષિશો તારી

કર્યાં પાપો જીવનભર, વાત ન માની કદી દિલની
હવે ચુકવું છું પાપોથી થએલી બહુજ દેણદારી

તને હું શોધવા ક્યાં ક્યાં નથી ભટક્યો જગતભરમાં!
પરંતુ તું મળ્યો દિલમાં, ફળીભૂત આશા થઈ મારી

પ્રભુ તું તો દયાળુ છે, હું આવ્યો દ્વાર પર તારા
મહા દુઃખ દર્દ વેઠી, કષ્ટ અને આપત્તિથી હારી

હૃદયના તારમાં ઝણકાર છે શુભ નામના તારા
સુરીલી ધૂન છે તારા નામની દિલ મુગ્ધ કરનારી

‘સૂફી’ બેશક દુઆ તારી જઈ પહોંચી છે ઈશ્વરને
અને આકાશથી કોઈ ચલાવે છે કલમ તારી

‘સૂફી’ પરમાર

No Comments »

માન્યતાના વાંકે

માન્યતાના વાંકે

પ્રભુથી પ્રેમ છે તારો, ખુદાથી ઈશ્ક છે મારો
તું મારો દોસ્ત છે પ્યારો, ભલે જે ધર્મ છે તારો

ઘણાછે બહુજ પ્યારા દોસ્ત મારા આજ દુનિયામાં
નથી પુછ્યું મેં કોઈ દોસ્તને શું ધર્મ છે તારો

અમે ચર્ચા કરી આધ્યાત્મની ને દુનિયાદારીની
પરંતુ ધર્મની વાતોનો ન આવ્યો કદી વારો

કર્યું કલ્યાણ ધર્મોએ પ્રભુના પંથ બતાવીને
હવે કઈ શિક્ષા માનવને બનાવીદે છે હત્યારો?

ઘણી પાયા વગરની માન્યતાના રોગ છે જગમાં
આ પોકળ માન્યતાઓથી પ્રભુ આપોને છુટકારો

ભયંકર મોડ પર આવી ઉભું છે આ જગત આજે
નવો રંગ ધર્મનો કંઇ ના બને જગ નષ્ટ કરનારો

મને દેખાયછે ઇનસાન ના કે હિંદુ શીખ મુસ્લિમ
હૃદયની આંખથી દેખાય છે બસ પેદા કરનારો

‘સૂફી’નું મન કરો વિશુદ્ધ ઓ ઈશ્વર, પ્રભુ પ્યારા
રહું ના અંધ શ્રદ્ધામાં, જીવનભર હું ભટકનારો

‘સૂફી’ પરમાર

1 Comment »

રંગબેરંગી જગત

રંગબેરંગી જગત

જગત સુંદર છે રંગોથી, પ્રભુને રંગો પ્યારા છે
અને રંગોભરી દુનિયામાં, કુદરતના ઈશારા છે

ઘણી વાતો કથાઓ અર્થપૂર્ણ રંગો કહે છે પણ
જે ન સમજી શકે, ભૂલો પ્રભુમાં કાઢનારા છે

કરો જો કલ્પના રંગો વિનાની દુનિયાની ક્ષણભર
થશે અદ્રશ્ય જગભરના વિવિધ જે દ્રશ્યો ન્યારાં છે

કલાવિધાનની ક્યાં છે કમી કુદરતના ખેલોમાં
છે અદભૂત દ્રશ્યો, દિલમાં ચિરસ્થાયી જે થનારાં છે

નિરસ હોતી આ દુનિયા જો ન હોતી રંગબેરંગી
આ અદભૂત રંગોની મહેફીલ છે જ્યાં રંગ બોલનારા છે

વિવિધ રંગો છે માનવ જાતીમાં ને નાતજાતોમાં
પરંતુ ધર્મોના ગ્રંથોમાં એકજ પ્રેમધારા છે

શું બોલી રંગો બોલે છે પૂછો સૂફી ને સંતોને
જે સમજે રંગોની ભાષા, નિકટ રબથી થનારા છે

સૂફી’ પરમાર

1 Comment »

અર્થહીન તકરાર

અર્થહીન તકરાર

જે માન્યતામાં જન્મ્યો છું, મને તે લાગે છે સારી
અને સત્ય સુધી તેથી પહોંચ ન થઈ શકી મારી

ખરું ખોટું પરખવા વાપરું છું માન્યતાઓ ને
પરંતુ માન્યતા પર શંકાની આવી નથી વારી

મળી છે વારસામાં માન્યતા જે આજ માનું છું
સગીર વયમાં હૃદય ખાલી હતું ત્યારે બની મારી

સખત પથ્થર સમી છે માન્યતા ને શ્રધ્ધાઓ મારી
મને લાગે છે તેથી બાકીની વસ્તી ભટકનારી

જગતને ક્ષય લાગ્યો અંધ શ્રદ્ધાનો ભયંકર પણ
નથી સુઝી રહી કોઈ દવા ક્ષય દૂર કરનારી

થઈ છે ઉન્નતિ ભૌતિક છતાં કમભાગ્ય જગ તારું
આ ઉન્નતિ માં શક્તિ છે જગતને નષ્ટ કરનારી

ચીરીને પડદો અંધશ્રદ્ધાનો જોશે જો જમાનો તો
નવી વાતો ત્વરિત સુઝશે આ દુનિયાને બદલનારી

નવી વાતો તું કહેતોજા ‘સૂફી’, ચાલુ જમાનાને
તું કરજે વાત, સત્યની ઝલક દુનિયાને દેનારી

‘સૂફી’ પરમાર

1 Comment »

દેવોની વેદના

દેવોની વેદના

ભરે છે આહ હવે તો દેવતાઓ ખેદના સાથે
અને ધર્માત્માઓ પણ રડે છે વેદના સાથે

જો આવે ધર્મ સ્થાપકો આ દુનિયામાં ફરી આજે
પિછો કરનાર નિકળી પડશે ઝટ નીજ ટેકના સાથે

બહુ મોડુ થયું પણ જ્યારથી હું હોશમાં આવ્યો
નથી પરવા રહી ધર્મના કટર મતભેદના સાથે

કરું સતસંગ શી રીતે અને કોનાથી હું જગમાં
મળે કોઈ જો પૂર્વગ્રહના દિલમાં દ્વેષના સાથે

અચાનક ભડકે છે ચિનગારી એવીકે ધ્રુજે ધરતી
શું પાપી નષ્ટ કરશે જગને વિધુત વેગના સાથે?

ઝલક દિવ્ય મેં જોઈ તો થયું પાવન જીવન મારું
જીવું છું હું હવે આધ્યાત્મના આદેશના સાથે

‘સૂફી’ તારી પૂજા તારી ઈબાદત જગથી ન્યારી છે
અલૌકિક્ ગીત્ લખ્યાં તેં પ્રેમના સંદેશના સાથે

‘સૂફી’ પરમાર

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.