કૂજાઓનાં પાણી

કૂજાઓનાં પાણી

કૂજાઓનાં પુરાણાં પાણીમાં જંતુ પડેલાં છે
કહ્યુ છે ભક્તોએ પીધાં તે પાણી તે નડેલાં છે

અગર લઈ કાચના વાસણમાં તે પાણી તમે જોશો
કરોડો જંતુ પાણીમાં, જીવિત તેમજ મરેલાં છે

હિમાલયથી નિકળતાં જળ અતિ નિર્મળ પવિત્ર છે
પરંતુ મેલ અને જંતુ પછી તેમાં ભળેલાં છે

અશુદ્ધ જળના જેવી થઈ છે હાલત ધર્મોની આજે
દગો દઈને પવિત્રતામાં ભ્રષ્ટ ત-ત્વો ભળેલાં છે

ઘણા અજ્ઞાનિ લોકોને અમે જ્ઞાનિ ગણી બેઠા
પરિણામે આ દુનિયામાં ભયંકર દુઃખ પડેલા છે

નહીં પહોંચાડે તમને સ્વર્ગ સુધી માનવ કોઈ જગથી
પહોંચવા ત્યાં, પ્રભુપંથનાં પગથિયાંઓ બનેલાં છે

છુપું માનવ અને દાનવનું અંતરયુદ્ધ છે જગમાં
મલિન તરકટ જ્યાં ધર્મભ્રષ્ટ માનવે છુપાં રચેલાં છે

ખબર પહેલી મળેછે રોજ ખૂનરેજીને હત્યાની
અરે પાપી, ટીપાં રક્તનાં પ્રભુપર જઈ પડેલાં છે

સજા દેનાર છે પાપો તને હર મોડના ઉપર
ભૂલીજા શિક્ષા જે લઈને તને દુષ્કૃત્ય સુઝેલાં છે

સુધારો શી રીતે થાશે આ ધગધગ કરતી ધરતી પર!
‘સૂફી’, જ્યાં અંતઃકરણને મારી મારી ચૂપ કરેલાં છે

‘સૂફી’ પરમાર

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply