આત્મિક નવસર્જન

આત્મિક નવસર્જન

નહીં માને જમાનો વાત જે આજે કરૂં છું હું
છતાં જે સત્ય લાગ્યું તે બધે કહેતો ફરું છું હું

ભયંકર અન્ય રોગોના ઈલાજો છે જગતમાં પણ
સમજને રોગ લાગ્યા, ધ્યાંન તે ઉપર ધરૂં છું હું

લડી મરવાના બહાના શોધે છે ધર્મોમાં ધર્મઘેલા
ધરમના આત્માની ચીસ સાંભળતો ફરું છું હું

પ્રગતિના જમાનામાં, પ્રગતિ થઈ અશાંતિમાં
ઘડીભર થાય છે શાંતિ તો શાંતિથી ડરું છું હું

ધરમનાં ખોખાં જોયાં મેં સજેલાં બાહ્ય રૂપરંગમાં
ધરમના ગૂમ થયેલા પ્રાણને શોધ્યા કરું છું હું

હિંસાની આંધીમાં પડકાર છે જ્યાં જગની હસ્તીને
જગતનું અંતઃકરણ જાગે, કદમ એવાં ભરું છું હું

નથી લલકારી હું શકતો ઈજારાદારી ને જગમાં
ગુરુઓના છે કાબુમાં વિચારો, થરથરું છું હું

જગત માગે છે આ યુગમાં ‘સૂફી’ આત્મિક નવસર્જન
કદમ તે સાધ્ય કરવા, ફૂંકી ફૂંકીને ભરું છું હું

‘સૂફી’ પરમાર

1 Comment »

One Response to “આત્મિક નવસર્જન”

  1. વિશ્વદીપ બારડ on 28 Feb 2008 at 7:34 pm #

    સુંદર કાવ્ય લાવ્યા છો. અભિનંદન

Trackback URI | Comments RSS

Leave a Reply